માન અપમાનથી પર
‘‘ચાલો ચાલો આજે તો બ્રહ્મભોજનમાં મજા પડી જશે. ઘણા દિવસે સારા પકવાન ભાળશું.’’
‘‘હા ભાઇ હા, ચાલો જગ્યા રોકીને બેસી જઇએ. વળી કોઇ બીજો આવી ટપકશે તો ભૂખના ભડાકા સહન નહી થાય.’’ કેવળ ઉદરપોષણ માટે જ ભેખ લીધેલ એવા બેત્રણ વૈરાગીઓ વાતો કરતાં કરતાં ચાલ્યા જાય છે.
નીલકંઠ વર્ણી ગિરનાર પર્વત ઉતરીને જૂનાગઢ શહેરમાં જતાં રસ્તામાં આવેલ ધર્મદાસ નામના મહાત્માની ગોધાવાવની જગ્યાએ પધાર્યા છે. આજે આ જગ્યામાં બ્રહ્મભોજન થતું હતું. ગિરનાર ચઢીને આવેલા વર્ણીને પણ ભૂખ લાગી છે. પોતે પંગતમાં જમવા બેઠા. પતરાવળા પીરસાઇ ગયા, ત્યાં એક અભાગીયો વૈરાગી આવ્યો ને ડોળા કાઢીને વર્ણીને બીવરાવવા લાગ્યો.
‘‘એલા એય, કોને પૂછીને આંહી બેઠો છો ?’’ વૈરાગીએ પોતાનો રોફ દેખાડયોઃ ‘‘કાંઇ ખબર પડે છે કે નહી. આ તો બ્રહ્મભોજન છે. કાંઇ ભિખારા ને લોટમંગાનો ભંડારો નથી. ઉભો થા. કઇ નાત ને કઇ જાત ?’’
વર્ણીએ તેને જવાબ આપ્યોઃ ‘‘ભાઇ અમે પણ બ્રાહ્મણ જ છીએ. ભૂખ્યા છીએ તેથી જમવા બેઠા.’’
‘‘હા, હા, પણ કોઇએ નોતરું દીધું હતું ?’’ વૈરાગીએ બીજુ તીર ફેંક્યુંઃ ‘‘કે પછી ખાવાનું ભાળીને ભટકાઇ પડયો ?’’
‘‘અમે તો ગિરનારની યાત્રા કરીને આવીએ છીએ.’’ નીલકંઠ વર્ણીએ પોતાની ધીરગંભીર વાણીમાં ઉત્તર વાળ્યોઃ ‘‘વળી સાંભળ્યું કે આંહી સદાવ્રત અપાય છે તેથી જમવા માટે આવ્યા છીએ.’’
‘‘પણ કાંઇ માન મર્યાદા છે કે નહી. મોટો ભા’ થઇને પહેલી પંગતમાં બેસી ગયો. આ બીજા સાધુસંતો ક્યાં બેસશે ? મારી માથે ?’’
બાવાએ પોતાના સાણસા જેવા હાથ ભરાવીને વર્ણીને ઉભા કર્યા.
બાવાએ વર્ણીનું પતરાવળું પણ આંચકી લીધુંઃ ‘‘આ ગિરનારની છાયામાં માળા રાંકા ને દુકાળીયાનો પાર નહી.’’
વર્ણી તે પંગતમાંથી ઊભા થઇને બીજે બેઠા. પેલા બાવાને હતું કે એકવાર પંકિતમાંથી ઊભો કર્યો એટલે જતો રહેશે પણ વર્ણી તો બીજે બેઠા. આ વૈરાગીએ પણ નક્કી કર્યું કે આને આંહી જમવા નથી દેવો.
‘‘એય ત્યાં પણ નહી. તે જગ્યા મારા ગુરુભાઇની છે, માટે ઊભો થા.’’ વર્ણી વળી ત્યાંથી બીજે બેઠા.
ત્યાં પેલો પાછો ઘૂરક્યો ‘‘એય ત્યાં પણ નહી. તે જગ્યા મારા ચેલાની છે.’’ વર્ણી ત્યાંથી ઊઠી પાછળ બેઠા.
વેરાગીનો મગજ ગરમ થયો ને વર્ણીને ત્યાંથી પણ ઊઠાડયા. વર્ણીનું પાણી ભરેલ તુંબડું ઢોળી નાંખ્યું.
‘‘માળાને કાંઇ લાજ શરમેય નથી. ટાણું જોઇને ભાણું માંડયું.’’ વૈરાગી ભેખનો કેફ દેખાડવા લાગ્યોઃ ‘‘જા બીજે જમી આવ. આંહી કાંઇ નહી મળે.’’
વર્ણી વાવમાંથી બીજું તુંબડું ભરી લાવ્યા ને બીજે બેઠા. આમ વેરાગીએ સાત વાર વર્ણીને ઊઠાડયા પણ નીલકંઠ વર્ણીના મુખની રેખા ન બદલી. ન ક્રોધ કર્યો, ન કવેણ કહ્યા કે ન કોઇ કાર્યવાહી કરી. તે દિ ધર્મદાસની જગ્યામાં ધીરજતાનો બીજો ગિરનાર ખડો થઇ ગયો. માન અપમાન જેને એક સમાન છે એવા વર્ણી પર્વતપ્રાય બનીને બેસી રહ્યા.
‘‘કાંઇ વાંધો નહી ભાઇઓ.’’ નીલકંઠ બ્રહ્મચારી કહેઃ ‘‘તમે જમી લો પછી વધે તો અમને આપજો બસ.’’
આ સાંભળી પેલા વેરાગીના ક્રોધનો જ્વાળામુખી ભભૂક્યો. નીચતાના છેલ્લે પાટલે બેસી ગયો. વેરાગીએ હોઠ પીસ્યા ને છેલ્લું તીર ફેંક્યું. પીરસવાવાળાને કહી દીધું ‘‘આને કોઇ પીરસશો નહી. ગામમાં જઇને એની મેળે જમી લેશે.’’
‘‘જેવી તમારી મરજી.’’ આમ કહી વર્ણી હસતાં હસતાં ત્યાંથી ઊભા થઇ ચાલવા લાગ્યા. વેરાગીના મનને શાતા વળી ગઇ અને મશ્કરી કરતો કરતો હસવા લાગ્યો.
આ દ્રશ્ય જૂનાગઢના એક નાગર ગૃહસ્થે જોયું ને કાળજે ચરરરર કરતો ચીરો પડયો. ભેખમાં ભગવાન હોય તેતો સાંભળ્યું હતું, પણ ભેખમાં લોઢાની મેખ હોય તે આજે જોયું. જ્યારે બીજી બાજુ વર્ણીને સાત વાર ઊઠાડયા છતાં નહી ટંટો, નહી ગાળ કે નહી પ્રતિકાર. નાગરે પોતાના જીવનમાં પહેલીવાર આવો પ્રસંગ જોયો. વર્ણી પ્રત્યે દયાભાવ ઉભરાયો અને તે પણ વર્ણીની પાછળ પાછળ જૂનાગઢ શહેરમાં આવ્યો.
નીલકંઠ વર્ણી શહેરમાં હાટકેશ્વર મહાદેવના મંદિરમાં આવ્યા. ભગવાન શંકરના દર્શન કર્યા. થોડીવાર વિરામ કરવા ઓટા ઉપર વિરાજ્યા. ત્યાં પેલો નાગર ગૃહસ્થ વર્ણીની પાસે આવ્યો. મુખમંડળનું તેજ જોઇને પાસે બેઠો. વર્ણી પણ તેની સામે જોઇને હસ્યા.
નાગરે વર્ણીને કોઇ વિદ્વાન જાણી એક સાથે દસ પ્રશ્નો પૂછયા.
જોયો શૈલ કિયો ભલા ગુરુ કિયા બ્રહ્માસુતા સિંધુજા,
કેવું સિંધુ સમીપ હોય સર તે ઝીણી કહો ભૂમિજા;
શું નાણું તનને નવીન અરથે કેના પછી દૌ ધરી,
શંભુ શત્રુ સુકંઠી કોણ સુણીને બે પંક્તિ ઊભી કરી.
વર્ણીએ તેના દસે પ્રશ્નોનો જવાબ બે શબ્દોમાં કહી દીધો. ગિરનાર અને રામાનુજ.
ગિરારમાનાનુરજ
ભાવાર્થ :
(૧) હે વર્ણી, તમે હમણાં કયો પર્વત જોયો ? – ગિરનાર.
(૨) તમારા ગુરુ કોણ ? – રામાનુજ.
(૩) બ્રહ્માજીની દીકરી કોણ ? – ગિરા અર્થાત સરસ્વતી.
(૪) સમુદ્રની પુત્રીનું નામ શું ? – રમા.
(૫) દરિયા આગળ સરોવર કેવું લાગે ? – નાનું.
(૬) ભૂમિના સૌથી નાના ભાગને શું કહેવાય ? – રજ.
(૭) શરીરનું નાણું કયું ? – ગિરા અર્થાત કંઠ.
(૮) કોના માટે ભગવાને બે અવતાર ધારણ કર્યા ? – રમા. સમુદ્રમંથન વખતે કૂર્માવતાર અને મોહીની અવતાર.
(૯) શંભુનો શત્રુ કોણ ? – માર અર્થાત કામદેવ.
(૧૦) સુકંઠી એટલે ? – રાગિ અર્થાત સારા સ્વરવાળો.)
વર્ણીનો આવો અદ્ભૂત જવાબ સાંભળી નાગર ભાવવિભોર બની ગયો. બે હાથ જોડીને કહેવા લાગ્યોઃ ‘‘ખરેખર તમે કોઇ મહાપુરુષ છો, નહીંતર દસ પ્રશ્નોનો જવાબ માત્ર બે જ અક્ષરમાં કોઇ દઇ શકે જ નહી.’’
વર્ણી તેની સામું જોઇને મંદમંદ હસ્યા. થોડીવાર તેને ઉપદેશની વાતો કરી. નાગરના કેટલાય જન્મોથી સંતપ્ત મનને શાતા વળી. નાગરે કાંઇક ભોજન ગ્રહણ કરવા વિનંતી કરી. વર્ણીએ હા કહી. નાગર તરત પોતાના ઘરે જઇ શીરોપુરી બનાવી લઇ આવ્યા. વર્ણી તે નાગરનો પ્રેમ અને મુમુક્ષુતા જોઇને થોડું જમ્યા. સવારના ભૂખ્યા વર્ણીને થોડું જમતાં જોઇને નાગરને વર્ણી પ્રત્યે ભક્તિભાવ વધ્યો.
‘‘ગોધાવાવની જગ્યામાં ભોજન માટે સાત વાર એક જગ્યાએથી બીજી જગ્યાએ બેઠા ત્યારે એમ લાગ્યું કે આ બાળાજોગીને કેટલી ભૂખ લાગી હશે પણ આંહી ગરમાગરમ શીરોપૂરી તૈયાર છે છતાં થોડુંક જ જમ્યા ? ખરેખર આવા જોગી મેં ક્યાંય જોયા નથી.’’
સાંજ પડવા આવી તેથી નાગરે વર્ણીને પોતાના ઘરે પધારવા વિનંતી કરી પણ વર્ણીએ મંદિરમાં જ રોકાવાની ઇચ્છા દર્શાવી. નાગર વર્ણીની રજા લઇને ઘરે ગયો પરંતુ તેને સૂતાં સૂતાં પણ વર્ણીના જ વિચારો આવતા હતા. ત્યાં રાત્રે વર્ણીએ તેને ભગવાન શંકરરૂપે દર્શન આપ્યા.
નીલકંઠ વર્ણી હાટકેશ્વરના મંદિરમાં રાત રહી સવારે વહેલા ઊઠી ત્યાંથી ચાલી નીકળ્યા. દ્વારિકા જવાની ઇચ્છાથી કાળવો નદી ઉતરી સામે કાંઠે નીકળ્યા. રસ્તામાં ભૂતનાથ મહાદેવના દર્શન કર્યા. ત્યાંથી આગળ નીકળી છેલ્લી નજર ફરી ગિરનાર સામી કરી. વર્ણી પહેલીવાર જૂનાગઢમાં પાંચ દિવસ રોકાયા. આગળ જતાં રસ્તામાં ખેંગાર વાવે આવી થોડું જળપાન કરી માંગરોળ પરફ પ્રયાણ કર્યું.
Nam at nisi risus. Proin pretium, dolor vel venenatis suscipit, dui nunc tincidunt lectus, ac placerat felis dui in justo. Aliquam orci velit, facilisis in facilisis non, scelerisque in massa. Integer scelerisque odio nec eros sodales laoreet. Sed sed odio tellus. In tristique felis ac facilisis tempor. Nunc non enim in dolor congue pulvinar sed sed nisi. Mauris viverra convallis feugiat. Nam at mauris laoreet, dictum leo at, tristique mi. Aenean pellentesque justo vel diam elementum iaculis. Nam lobortis cursus vestibulum. Nulla feugiat mauris felis, auctor pretium dui euismod in.
Vestibulum et enim vitae lectus malesuada aliquam vitae non mi. Suspendisse tellus eros, ultricies nec lorem feugiat, pharetra auctor dui. Suspendisse placerat neque leo, nec commodo eros ultrices vel. Fusce elit libero, aliquam quis libero non, consectetur accumsan est. Proin tempus mauris id cursus posuere. Sed et rutrum felis, vel aliquet ante. Interdum et malesuada fames ac ante ipsum primis in faucibus. Pellentesque neque tellus, condimentum non eros non, consectetur auctor lacus. Curabitur malesuada odio eget elit egestas porttitor.